પૂજન શિવશંકરનું કરીએ, સાચી શિખ અંતરમાં ધરીયે,
પ્રેમે પૂજી ભવસાગર તરીયે …………. પૂજન
મહિમા શિવમંદિરનો ગાઉં, અહર્નિશ દર્શને જાઉં,
અંતરે પ્રેમ ઘણો લાઉં …………..પૂજન
મંદિર પર ધ્વજ ફરકે પ્યારો, ભગવો રંગ તેનો રે ન્યારો
અનલરૂપ તેને રે ભાળો ……………પૂજન
અનલ જેમ દોષ બધા બાળે, મનના સહુ દોષ જ જે ટાળે,
પછી આવે મંદિરની પાળે ………….પૂજન
મંદિરમાં વૃષભ પ્રથમ સ્થાપ્યો, મહામંત્ર જગતને આપ્યો,
મહિમા તેનો ગૂઢ રહે વ્યાપ્યો ……….. પૂજન
વૃષભ જેમ ભાર ઘણો તાણે, સુખદુઃખને મનમાં નવ આણે,
સમજાવે છે પૂજન ટાણે ……………પૂજન
પૂજન પછી કુર્મ તણું થાયે, સમજતાં વહેમ સકલ જાયે,
મહિમા જો પ્રેમ ધરી ગાયે …………પૂજન
કુર્મ જેમ અંગો સંભાળે, મનુષ્યો માયા જો મારે,
થાયે ભવસાગરથી પારે ……….. પૂજન
પૂજન પછી ગણપતિનું કરતાં, અંતરમાં આનંદને ભરતાં,
રિદ્ધિસિદ્ધિ સ્વામીને સમરતાં,………….પૂજન
કટુવેણ કાન થકી સુણતાં, મસ્ત બની પેટ મહીં ભરતાં,
નાક તણી કિંમત સૌ કરતાં………….પૂજન
દર્શન ત્યાં તો દાદા તણું થાયે, અંતરમાં પ્રેમ ઘણો આવે,
દાદા નિજ ધર્મ જ સમજાવે ………….પૂજન
પ્રહારો જગ્ત તણા સહેજો, કટુ વેણ કોઇને નવ કહેજો,
સદાનંદ આનંદમાં રહેજો ………….પૂજન
વિષ વાણી કંઠ મંહી ઢાંકો, ઉદર કે જીભમાં નવ રાખો,
આનંદનો અમૃત રસ ચાખો ………….પૂજન
દર્શન પછી માત તણું કરતાં, અંતરના દોષ બધા ટળતા,
શાંતિ કેરા સ્થાન પરે ઠરતા ………….પૂજન
ઘંટનાદે આરતી ત્યાં થાયે, સઘળું તે જીવને સમજાવે,
સમજે ભવસાગર તરી જાયે ………….પૂજન
મુળજી તારો બાળક તો બોલે, નથી કોઇ માતપિતા તોલે,
શરણે રહી પ્રેમ મહીં ડોલે ………….પૂજન
- મૂળશંકર ત્રિવેદી