તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ઓ લહેરી જીવડા January 28, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

કહું છું હું સુણજે ધરી કાન રે, ઓ લહેરી જીવડા.
પ્રેમે તું લેજે હરિનું નામ રે, ઓ લહેરી જીવડા.
જગ્તનો પવન જ્યાં તુજને અડ્યો, ઓ લહેરી જીવડા.
પ્રભુ ભૂલી માયાની લહેરે ચડ્યો, ઓ લહેરી જીવડા.
વિભુ ભક્તિ માટે આવ્યો ખાસ રે, ઓ લહેરી જીવડા.
બનીયો તું માયા કેરો દાસ રે, ઓ લહેરી જીવડા.
માયા લાગે છે તુજને બહુ મીઠી, ઓ લહેરી જીવડા.
જાણે કે કદી તેં તેને નવ દીઠી, ઓ લહેરી જીવડા.
વહાલા તો લાગે તુજને દામ રે, ઓ લહેરી જીવડા.
આખર નહિં આવે તારે કામ રે. ઓ લહેરી જીવડા.
નાણાંથી કરી લે તું શુભ કામ રે, ઓ લહેરી જીવડા.
ડગલે ને પગલે લે હરિ નામ રે, ઓ લહેરી જીવડા.
મુળજી તું લેજે પ્રભુનું નામ રે, ઓ લહેરી જીવડા.
સરશે તેથી તો તારું કામ રે, ઓ લહેરી જીવડા.

- મૂળશંકર ત્રિવેદી

 

શોધી લે ને સાથ January 21, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 4:00 am

શોધી લે ને સાથ જીવલડા શોધી લે ને સાથ રે.
જાવું વસમી વાટ જીવલડા , જાવું વસમી વાટ.

માતા પુત્ર કહીને રડશે, પોળ સુધી તે પળશે રે.
બે’ની બંધવ બંધવ કરશે, આગળ ડગ નહિ ભરશે રે.
નારી તારી રડતી રહેશે, નહિ આવે તુજ સાથ રે.
બળતી ચિતાએ ચઢતાં તારો, નહિ ઝાલે કોઇ હાથ રે.
પિતા બંધુ સૌ સ્મશાન પળતાં, સગાં સંબંધી આવે રે.
તુજ કાયાને આગ લગાવી, પછી દિલમાં નહિ લાવે રે.
ત્રિમાસી, છ માસી વર્ષી, વાળી તુજને ભૂલે રે.
માયા કેરા જગત મહીં તો, સઘળું તારું ડૂલે રે.
સાચો રસ્તો પ્રભુ સ્મરણનો, પ્રેમે ભાથું ભરજે રે.
મુળજી હેતે પ્રભુ ભજીને, સતપથ ડગલાં ભરજે રે.

-  મૂળશંકર ત્રિવેદી

 

નાવિક તું નાવ હાંકે January 14, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

નાવિક તું નાવ હાંકે, છતાં મને ડર લાગે
દિલમાં ગભરાટ જાગે, રે હો નાથ મારા…

બહાદુર નાવિક બેઠો, નાવ ઝોલાં ખાવા દેતો
નાવની કસોટી લેતો, રે હો નાથ મારા…

મધ દરિયે નાવ જાય, મોજાં સાથે અથડાય
નાવિક બેઠો હરખાય, રે હો નાથ મારા…

નાવની કસોટી કરી, આખો દરિયો ખૂંદી વળી
કિનારે લાવે છે ફરી , રે હો નાથ મારા…

મુળજી છે તારી નાવ, ભયથી કરે પુકાર
નૈયાને ઉતારો પાર્, રે હો નાથ મારા…

- મૂળશંકર ત્રિવેદી

 

દયાના સાગર January 7, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

બાળ તારો ખોળે પડ્યો રે દયાના સાગર
મારો કે ઉગારો હવે રે, દયાના સાગર – બાળ તારો …

માયા દેખી લપટાયો, મોહે તો મુજને ફસાવ્યો,
સાચો માર્ગ ભૂલવાડ્યો, દયાના સાગર – બાળ તારો …

અણદીઠું જાણે રે દીઠું, ન કરવાનું કાર્ય કીધું,
દુઃખ હાથે વહોરી લીધું, દયાના સાગર – બાળ તારો …

છોરું તો કછોરું થાયે, માતતાત દિલમાં ન લાવે,
આખરે તેને બચાવે , દયાના સાગર – બાળ તારો …

હાથ ઝાલી સાથ આપો, ચરણ કમળે સ્થાપો,
મુળજીને દીક્ષા આપો , દયાના સાગર – બાળ તારો …

- મૂળશંકર ત્રિવેદી