શોધી લે ને સાથ જીવલડા શોધી લે ને સાથ રે.
જાવું વસમી વાટ જીવલડા , જાવું વસમી વાટ.
માતા પુત્ર કહીને રડશે, પોળ સુધી તે પળશે રે.
બે’ની બંધવ બંધવ કરશે, આગળ ડગ નહિ ભરશે રે.
નારી તારી રડતી રહેશે, નહિ આવે તુજ સાથ રે.
બળતી ચિતાએ ચઢતાં તારો, નહિ ઝાલે કોઇ હાથ રે.
પિતા બંધુ સૌ સ્મશાન પળતાં, સગાં સંબંધી આવે રે.
તુજ કાયાને આગ લગાવી, પછી દિલમાં નહિ લાવે રે.
ત્રિમાસી, છ માસી વર્ષી, વાળી તુજને ભૂલે રે.
માયા કેરા જગત મહીં તો, સઘળું તારું ડૂલે રે.
સાચો રસ્તો પ્રભુ સ્મરણનો, પ્રેમે ભાથું ભરજે રે.
મુળજી હેતે પ્રભુ ભજીને, સતપથ ડગલાં ભરજે રે.
- મૂળશંકર ત્રિવેદી
એકલા જ આવ્યા મનવા એકલા જવાના