તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ઓ પામર જીવ February 4, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

ઓ પામર જીવ, શા કારણ તું માયામાં લપટાય છે,
કહું છું તુજને, નામ પ્રભુનું લેતાં કેમ શરમાય રે?– ઓ પામર જીવ

તું સમજે છે સૌ છે મારું, તે માંહી વળે નહિ કાંઇ તારું,
જેમ દીપક પાછળ અંધારું. ……ઓ પામર જીવ

મારું – તારું કરી તું મરતો, સૌની સાથે ઝઘડા કરતો.
તું એક ક્ષણ પણ ના ઠરતો. ……ઓ પામર જીવ

તું મારું- તારું છોડી દે, તારું ચિત્ત પ્રભુમાં જોડી દે.
જે જન્મ મરણબંધ તોડી દે. ……ઓ પામર જીવ

ગર્ભ માંહી કોલ જ તેં દીધો, તેં વિભુને કેમ છોડી દીધો?
નિશ્ચય કાળે ઘેરી લીધો. ……ઓ પામર જીવ

માયા તો મોહની જાળ છે. ત્યાં છૂટવા ન કોઇ આધાર છે.
જ્યાં આખર તારો કાળ છે. ……ઓ પામર જીવ

હરિ નામ થકી ઉધ્ધાર છે, એ ઠરવાનો આધાર છે.
ત્યાં આખર બેડો પાર છે. ……ઓ પામર જીવ

દાસ મુળજી તુજ ગુણ ગાય છે, તવ ચરણ રે’વા ચહાય છે.
તું એક જ મારી સહાય છે. ……ઓ પામર જીવ

-  મૂળશંકર ત્રિવેદી