જીવડા ચેતજે રે.. March 24, 2007
જીવડા ચેતજે રે, માયા કરશે નહિ તુજ કામ
પ્રભુ સંભાળતાં રે, જગમાં રહેશે તારું નામ ….. જીવડા..
બહુ બહુ કરગરીને જ્યારે વિનતિ કરી અપાર,
દયા તુજ પર કરીને મૂક્યો ગર્ભવાસની બાર ….. જીવડા..
પ્રભુને ભૂલી ગયો રે, કરવા લાગ્યો અવળાં કામ,
બાંધવ – બેનડી ને મળ્યાં જ્યાં માત-તાતને દામ ….. જીવડા..
હવેલાં મેડીયો રે, પલંગ અને હિંડોળા ખાટ ,
મોટર – ગાડીઓ રે, તુજને બતાવશે નહિ વાટ ….. જીવડા..
પાપો અતિ ઘણાં રે, ગણતાં નાવે તેનો પાર,
જીવ સમજે સદા રે, તેમાં નહિ સદેહ લગાર ….. જીવડા..
હંસો ઊડી જતાં રે, કાઢે તુજને ઘરની બા’ર.
ભૂખે સૌ મરે રે, માટે લગાડશો નહિ વાર ….. જીવડા..
મુળજી મન મહીં રે, નિર્ણય કરી લે તું તત્કાળ,
પ્રભુ તુજને મળે રે, ઉતરે ભવસાગરથી પાર ….. જીવડા..
કાનુડાજી વાત કોને જઇને કહીયે March 17, 2007
કાનુડાજી વાત કોને જઇ કહીયે, તારા વિના શરણું બીજા કોનું લઇએ,
કોલ તેં તો લીધો આ બાળની પાસે, હવે શું વલશે દૂર નાસે…… કાનુડાજી.
કહ્યું ભક્તિ કરજે તું જગતની માંહીં , દર્શન દઇશ પ્રગટ થઇ ત્યાંહીં …… કાનુડાજી.
હવે તું ભૂલ્યો ને માયામાં પડીયો, કામક્રોધે ઘેરીને મુજને જકડીયો…… કાનુડાજી.
મોહ કહે છોડું કદી ન હું તુજને, લોભ બહુ ચોંટી પડ્યો છે મુજને…… કાનુડાજી.
જગત સૌ સ્વાર્થ થકી રે જડીયું, તારું રૂપ નજરે મને નહિ પડીયું…… કાનુડાજી.
મોટી મોટી વાત કરે છે સર્વે, એક એક વાત કરે ભરી ગર્વે…… કાનુડાજી.
પાપ હશે પૂરું તે એવું હું દેખું, તુજ વિણ અન્ય સર્વેને લેખું…… કાનુડાજી.
ગુરુ વિણ સરશે નહિ આ કામ, તુજ દર્શન કેરી ભીડી છે હામ …… કાનુડાજી.
લીધો કોલ ગુરુ બની ઘેર આવો, દાસને બંધનમાંથી છોડાવો…… કાનુડાજી.
તુજ વિણ અવર ગુરુ નવ માંગું, નિશ દિન અજપા જાપ હું જાપું…… કાનુડાજી.
લાજ તને સોંપી છે આજથી મારે, ભલે નાવ ડુબાડે કે તારે…… કાનુડાજી.
જેવી તારી મરજી હોય તેમ કરજે, એક્વાર અરજી હૃદયમાં ધરજે…… કાનુડાજી.
તારા નામે ડૂબશે નાવ જો મારું, તુજને લાંછન લાગશે સારું…… કાનુડાજી.
બોલ્યું વેણ ફરે જગતના લોક, વચન તારું થાય કદી ના ફોક…… કાનુડાજી.
વિશ્વાસ આપી હવે કેમ ભૂલે, આયુષ્ય શું મારું બધું આમ ડૂલે…… કાનુડાજી.
કદિ નહિ છોડું હું તો તારું નામ, પછી તારે કરવું પડશે સહુ કામ …… કાનુડાજી.
દયા કરી દાસને દર્શન આપો, મુળજી કેરું દુખઃડું આટ્લું કાપો…… કાનુડાજી.
જન્મ-મરણના સાથી રે ! March 10, 2007
મમ જન્મ – મરણના સાથી રે, વિઠ્ઠલ વહેલા આવજો રે જી.
મુજ દિલ મુંઝાયે, કંપે મારી રે કાય….. મમ જન્મ – મરણના સાથી રે,
અંતકાળ દુઃખ ભારી રે દેખી જીવડો તરફડે રે જી,
ઠરીને એતો બેસે નહીં એક ઠામ….. મમ જન્મ – મરણના સાથી રે,
અંતકાળના સમયે રે, ઇન્દ્રિયો સૌ છોડશે રે જી,
પણ તું મુજને છોડીશ નહીં મારા રામ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, રસનાએ તું આવજે રે જી,
પ્રેમે હું તો કરું પંચાક્ષર પાન ….. મમ જન્મ – મરણના સાથી રે,
પંચાક્ષર પાનેથી રે, અંતર તો ઉજ્જવળ બને રે જી,
માયાથી આ જીવડો મુક્ત જ થાય ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, દિય ચક્ષુઓ આપજે રે જી,
પ્રેમે હું તો ધરું તવ દર્શન ધ્યાન. ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, શ્રવણો એવા અર્પજે રે જી,
પ્રેમે હું તો સૂણું તવ પગરવ ગાન ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, કર મમ મસ્તક રાખજે રે જી,
તવ કર સ્પર્શે તન રોમાંચિત થાય ….. મમ જન્મ – મરણના સાથી રે,
દાસ મુળજીની વિનંતિ રે, એવો ઓરો આવજે રે જી,
અંતઃશ્વાસે સૂંઘું તારો ઉચ્છ્વાસ. ….. મમ જન્મ – મરણના સાથી રે,
શરણ આવ્યો March 3, 2007
શરણ આવ્યો શામળીયા ગિરીધારી રે ,
વા’લા પ્રભુજી વિનતિ સુણજો મારી રે ….. શરણ ..
દીન બાળ હું વિનવું છું કર જોડી રે,
તુજ બાળમાં બુધ્ધિ છે બહુ થોડીરે , ….. શરણ ..
માયા મહીં તો લપટાયો તુજ બાળ રે,
દયા કરી પ્રભુ ઉગારજો આ વાર રે , ….. શરણ ..
પ્રેમ ધરી તુજ ચરણમાં હું લોટું રે,
તુજ વિણ મારા દિલ નથી કોઇ મોટું રે ….. શરણ ..
મોટા કેરું શરણું બાળક લે છે રે,
દિલની વાતો દાદા આગળ કે’છે રે ….. શરણ ..
દયા કરી પ્રભુ સીધો માર્ગ બતાવો રે,
મુજ અંતરમાં જીવનજ્યોત જગાવો રે. ….. શરણ ..
જ્યોત જાગતાં જીવન બને એકતાર રે,
માયા કેરો શિરથી ઉતરે ભાર રે. ….. શરણ ..
તુજ દરશનની દિલમાં રાખું આશ રે,
હવે દાસને કરો નહીં ઉદાસ રે. ….. શરણ ..
મુળજી કેરા પૂરજો મનના કોડ રે,
વ્હારે વ્હેલા ધાજો શ્રી રણછોડ રે. ….. શરણ ..