મમ જન્મ – મરણના સાથી રે, વિઠ્ઠલ વહેલા આવજો રે જી.
મુજ દિલ મુંઝાયે, કંપે મારી રે કાય….. મમ જન્મ – મરણના સાથી રે,
અંતકાળ દુઃખ ભારી રે દેખી જીવડો તરફડે રે જી,
ઠરીને એતો બેસે નહીં એક ઠામ….. મમ જન્મ – મરણના સાથી રે,
અંતકાળના સમયે રે, ઇન્દ્રિયો સૌ છોડશે રે જી,
પણ તું મુજને છોડીશ નહીં મારા રામ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, રસનાએ તું આવજે રે જી,
પ્રેમે હું તો કરું પંચાક્ષર પાન ….. મમ જન્મ – મરણના સાથી રે,
પંચાક્ષર પાનેથી રે, અંતર તો ઉજ્જવળ બને રે જી,
માયાથી આ જીવડો મુક્ત જ થાય ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, દિય ચક્ષુઓ આપજે રે જી,
પ્રેમે હું તો ધરું તવ દર્શન ધ્યાન. ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, શ્રવણો એવા અર્પજે રે જી,
પ્રેમે હું તો સૂણું તવ પગરવ ગાન ….. મમ જન્મ – મરણના સાથી રે,
મમ અંતકાળના સમયે રે, કર મમ મસ્તક રાખજે રે જી,
તવ કર સ્પર્શે તન રોમાંચિત થાય ….. મમ જન્મ – મરણના સાથી રે,
દાસ મુળજીની વિનંતિ રે, એવો ઓરો આવજે રે જી,
અંતઃશ્વાસે સૂંઘું તારો ઉચ્છ્વાસ. ….. મમ જન્મ – મરણના સાથી રે,