તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

મારું રણ તમે છોડાવો – સંત ‘પુનીત’ September 4, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 1:00 am

મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !
આ દુખીયાંને બચાવો રે! રણછોડરાયા !

રણછોડ તારું ઋણ તો મેં બહુ બહુ કીધું,
હજુ વ્યાજ નથી કંઈ દીધું રે! રણછોડરાયા ! 

ભવરણમાં હું ભટકું, નથી મળતો સુખનો છાંટો,
મારો સફળ કરો આ આંટો રે! રણછોડરાયા ! 

રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા,
મારી પુંઠે પડી છે માયા રે! રણછોડરાયા ! 

સુખ સઘળું દીઠું, રણછોડ તારે ચરણે,
‘પુનીત’ શું તેને વરણે રે! રણછોડરાયા ! 

- સંત ‘પુનીત’