પ્રિય તું ! પ્રિય હું !
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ.
પ્રેમ છલોછલ હૈયું તું, હું અવિરત શ્વાસોચ્છવાસ…. પ્રિય તું
તું ઘુઘવાટભર્યો મહેરામણ, હું ધસમસતી ભરતી,
પુનિત-પ્રવાસી તું પ્રીત પથનો, હું પદચૂમતી ધરતી…
તું ઉમંગ, હું ઉલ્લાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…
જૂગજૂગ જૂની પ્રિયજપ જપતી હું માળા, તું મણકો,
હું તાલ, તું માત્રા; શબ્દ હું, સ્વર તું; હું ઝાંઝર, તું ઝણકો.
તું વચન ‘ને હું વિશ્વાસ,
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…
હું વેલી, તું વૃક્ષ હે પ્રિય! હું સુગંધ તું સોનું
નેહભર્યા અનિમેષ નયન તું, હું કાજળ નયનોનું,
તું દિપક ‘ને હું ઉજાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…
પ્રિય તું સત્ય, સનાતન હું; તું ગાયક, હું ગીતા,
હું મીરાં, તું માધવ હે પ્રિય!, તું રાઘવ, હું સીતા,
હું કવિતા ને તું પ્રાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…
રચયિતા : રવિ ઉપાધ્યાય
GREAT POETRY BY RAVIBHAI.
HE WILL STAY ALIVE WITH HIS WORK.
એકદમ સુંદર અભિવ્યક્તિ અને સુંદર પ્રાસ મેળવેલો છે અ રચના માં …આભાર..
શ્રી રવિ ઉપાધ્યાયની અન્ય રચનાઓ હોય તો મુકાવશો.
આ રચનામાં હું અને તુંના ઐક્યને સાવ નજીકના સંબંધોમાં ગુંથીને અને ખાસ તો લય દ્વારા સફળતાથી સ્થાપિત કર્યું છે. સંગીત, ગીત, પ્રવાસ,ગીતા-જ્ઞાન, નયન વ. અંગો, પુષ્પો વગેરેને એકબીજા સાથે મુકીને વહાલપ અને એકતાનાં કેવાં સરસ દર્શન કરાવ્યાં છે !
મન ભરી દે એવું ગીત.