તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ગીત મને કોઈ ગોતી આપો – યશવંત ત્રિવેદી November 26, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 4:31 pm

ગીત મને કોઈ ગોતી આપો –

યશવંત ત્રિવેદી

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો

કોઈ રાધાનાં લોચન-શા આ દરિયાઓ
ઈ દરિયાઓની પાર ઝૂલતી સાંજનાં કોઈ વાંસવનો ઈ વાંસવનોના કો’ક મોરના મોરપીંછમાં
પૂરવ જનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

મારો ચઇતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?
મારા ગોકુળની ઋતુ ઋતુ , આ અંધ શહેરમાં નિયોનના પરદાઓમાં શીદ લટકાવો?

કોઈ કન્હાઈની આંખોમાં તરતાં આકાશો
ઈ આકાશોને કહો કે ઊતરે હળુહળુ કોઈ બોરસલીની ડાળે
ઈ બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે
ઈ ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી સાંધી આપો.
ઈ દર્પણના કો’ક શહેરના અવશેષોથી કન્હાઈ-રાધા આજ મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો

- યશવંત ત્રિવેદી

કવિ પરિચય

 

One Response to “ગીત મને કોઈ ગોતી આપો – યશવંત ત્રિવેદી”

  1. THANKS TO YASHAVANTBHAI TRIVEDI AND “KAVILOK”.


Leave a Reply