અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …
પવન તુ, પાણી તુ, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …
વેદ તો એમ વદે શ્રુતી-સ્મૃતી સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા,
અંતે તો હેમનું હેમ હોયે… અખિલ બ્રહ્માંડમાં…
વૃક્ષમાં બીજ તુ, બીજમાં વૃક્ષ્ર તુ,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે… અખિલ બ્રહ્માંડમાં…
– નરસિંહ મહેતા