તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

હર હર શંકર ગાઉં September 8, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

હર હર શંકર ગાઉં, મન હર હર શંકર ગાઉં
પ્રેમે શીશ ઝુકાવું હર હર શંકર ગાઉં ….. હર હર..

જગત્ તાત શીવ ભોળા, શંભુ કૈલાસકેરા વાસી
શીર પર તો પ્રભુ ગંગા ધારી, પાવન કીધું કાશી. ….. હર હર..

શંકર કહે, કોઇ શંભુ કહે, કોઇ શીવ સદાશીવ ગાયે
મહાદેવ, ભવહર, ત્રીપુરારી, નામે પાર ન આવે….. હર હર..

સ્વયં એક પ્રભુ નામ અનેરાં ભક્ત જ કારણ ધારો
વીધવીધ રૂપે વ્હાર કરીને ભવસાગરથી તારો ….. હર હર..

વેદપુરાણો બહુ વદે પણ, પાર ન તારો પામું
સર્વ રુપમાં આપ જ જાણી પ્રેમે હું શીર નામું ….. હર હર..

ભક્તજનોને સહાય કરી પ્રભુ, અવીચળ પદ પર સ્થાપો,
દાસ મુળજી તવ ચરણ પડ્યો છે, પ્રેમે દર્શન આપો. ….. હર હર..

 

શારદા સ્તુતી September 1, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

મા તું બ્રહ્માજીની બાળ, તારા તેજ તણો નહી પાર,
તુજને વંદુ વારંવાર, માતા સરસ્વતી

તારાં કીરણે કવીજન શોભે, તે મેળવવા મુજ મન લોભે
મા તુજ ચરણકમળમાં થોભે, માતા સરસ્વતી

મધુ રવ તવ વીણાના સાચે, મુજ મન મોર બનીને નાચે
સર્જનશક્તી તુજની યાચે , માતા સરસ્વતી

મુળજી તુજ ભક્તીનો દાસ, લાગી તવ દર્શનની પ્યાસ,
હેતે પુરજે તેની આશ , માતા સરસ્વતી

 

ઉમા કેરો બાળ August 25, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

નિત્ય સમર નિત્ય સમર ઉમા કેરો બાળ
રીઝે ગણનો નાથ, નહિ થાય વાંકો વાળ – સમર….

શિરે સોહે કિરીટ, કંઠે રત્ન જડિત હાર,
ચરણે ઝાંઝર રણઝણે, છે મૂષકે સવાર– સમર….

કાન મોટા, નાક લાંબું, ઉદર છે વિશાળ,
આંખ ઝીણી, દંત લાંબા, ભવ્ય છે કપાળ – સમર….

એક કરે પાશ અને બીજે મોદક થાળ
ત્રીજે કરે પરશુ અને ચોથે સોહે માળ– સમર….

રિધ્ધિ સિધ્ધિ સહ સેવે, પામે સમૃધ્ધિ અપાર
દાસ મુળજી હેતે ભજે કરજે બેડો પાર – સમર….

 

સાચો પ્રેમી August 18, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

સાચો પ્રેમ જ જાણો રે , તેનો પ્રભુના નામમાં રે જી,
છોડ્યું જેણે મારું – તારું જગલાજ ………….. સાચો.

સ્વાર્થ જ જેણે છોડી રે, નીસ્વાર્થે ડગલું ભર્યું રે જી.
સ્પૃહા વીના જે કરતો જગનાં કામ , ………….. સાચો.

કામ-ક્રોધને છોડી રે, સહતો સૌના બોલને રે જી.
સારું – માઠું લાગે ન જેને લગાર ………….. સાચો.

લોભ-મોહને માયા રે, જેના દીલમાં નવ મળે રે જી.
વાણી માંહી વીનય તણો નહીં પાર ………….. સાચો.

અહંકારને તજતો રે, નમતો સૌને પ્રભુ ગણી રે જી ,
સતના પંથે વીચરે સાજ સવાર ………….. સાચો.

પ્રેમે પ્રભુને ભજતો રે, સંત ચરણને સેવતો રે જી,
બનતો એ તો જગત કેરો દાસ ,…………. સાચો.

સાચો પ્રેમી બનવા રે, મુળજી મનમાં ધારજે રે જી,
નીશ્ચય હરીહર રાખજે તારી લાજ ………….. સાચો.

 

સુણો કાન કાળા August 11, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

સુણો કાન કાળા, જપું તારી માળા જી
દરશન આપો, છબીલા છોગાળા ….. સુણો

તું તો તાત મારો, હું તો બાળ તારો,
શા કાજે દયાળુ રહે છે નીરાળો ….. સુણો

ગુનાઓ હજારો થયા છે જ મુજથી,
તેમાંથી અજાણ્યું કશું નહી તુજથી….. સુણો

દયા કરી બાળને માફી જ આપો,
હવે પ્રભુ દીલડું ન મારું સંતાપો ….. સુણો

દીનાનાથ દાસનું અંતર ખોલો,
પ્રેમે પ્રભુ મધુર વચન એક બોલો …. સુણો

બાળ તારો હેતથી આંસુડાં ભરશે,
મુળજી તારો તાતની ગોદમાં પડશે. ….. સુણો

 

કરું સંતચરણની સેવા August 4, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

કરું સંતચરણની સેવા રે, પાવન થાવા
મીઠો મંત્ર રામનો ગાવા રે, પાવન થાવા …….. કરું

ગંગા-યમુના-રેવા સૌ સંત કેરા ચરણે
નિશ્ચય કરી જાવું શરણે રે , પાવન થાવા …….. કરું

સંત સીધો માર્ગ બતાવે, જીવનની જ્યોત જલાવે,
અંતર ઉજાસ જગાવે રે , પાવન થાવા …….. કરું

સંત પ્રભુમંદિરનો દીવો, સંતો સૌ યુગ યુગ જીવો,
જીવ મહીં બતાવે શીવ રે , પાવન થાવા …….. કરું

મુળજી મન નિશ્ચય કરજે, અંતરમાં આનંદ ધરજે,
પ્રેમે પ્રભુ-ચરણ જઇ ઠરજે રે , પાવન થાવા …….. કરું

 

પુજન શીવશંકરનું કરીએ July 28, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

પુજન શીવશંકરનું કરીએ, સાચી શીખ અંતરમાં ધરીયે,
પ્રેમે પુજી ભવસાગર તરીએ. ……………………….. પુજન.

મહીમા શીવમંદીરની ગાઉં, અહર્નીશ દર્શને જાઉં,
અંતરે પ્રેમ ઘણો લાવું …………………………………. પુજન.

મંદીર પર ધ્વજ ફરકે પ્યારો, ભગવો રંગ તેનો રે ન્યારો,
અનલરુપ તેને રે ભાળો………………………………… પુજન.

અનલ જેમ દોશ બધા બાળે, મનના સહુ દોશ જ જે ટાળે,
પછી આવે મંદીરની પાળે………………………………. પુજન.

મંદીરમાં વૃશભ પ્રથમ સ્થાપ્યો, મહામંત્ર જગતને આપ્યો,
મહીમા તેનો ગુઢ રહે વ્યાપ્યો……………………………પુજન.

વૃશભ જેમ ભાર ઘણો તાણે, સુખદુખને મનમાં નવ આણે,
સમજાવે છે પુજનને ટાણે……………………………….. પુજન.

પુજન પછી કુર્મ તણું થાયે, સમજતાં વહેમ સકલ જાયે,
મહીમા જો પ્રેમ ધરી ગાયે ……………………………….પુજન.

કુર્મ જેમ અંગો સંભાળે, મનુશ્યો માયા જો મારે,
થાયે ભવસાગરથી પારે…………………………………… પુજન.

પુજન પછી ગણપતીનું કરતાં, અંતરમાં આનંદને ભરતાં,
રીધ્ધી- સીધ્ધી-સ્વામીને સ્મરતાં……………………….. પુજન.

કટુવેણ કાન થકી સુણતાં, મસ્ત બની પેટ મહીં ભરતાં,
નાક તણી કીમ્મત સૌ કરતાં. ……………………………. પુજન.

અહંકાર ઉર ન પ્રગટાવે …………………………………….પૂજન.

 દર્શન ત્યાં તો દાદાતણું થાયે,અંતરમાં પ્રેમ ઘણો આવે,
દાદા નિજ ધર્મ જ સમજાવે…………………………….પૂજન.

પ્રહારો જગ્ત તણા સહેજો,કટુ વેણ કોઈને નવ કહેજો,
સદIનંદ આનંદમાં રહેજો ……………………………પૂજન.

વિષવાણી કંઠ મંહી ઢાંકો,ઉદરકે જિભમાં નવ રIખો,
આનંદનો અમૃત રસ ચાખો……………………..પૂજન.

દર્શન પછી માત તણું કરતાં,અંતરના દોષ બધા ટળતા,
શાંતિ કેરા સ્થાન પરે ઠરતા………………………………પૂજન.

ઘંટનાદે આરતી ત્યાં થાયે,સઘળું તે જિવન સમજાવે.
સમજે ભવસાગર તરી જાયે…………………………પૂજન.

મુળજી તારો બાલક તો બોલે,નથી કોઈ માતાપિતા તોલે,
શરણે રહી પ્રેમમહી ડોલે…………………………………..પૂજન્.
 

 

બાળ પુકારે તારો July 21, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

બાળ પુકારે તારો, ભવસાગર છે ખારો
ભવસાગરથી તારો, હાથ પકડ પ્રભુ મારો ….. બાળ…

ઠોકર ખાતો, આગળ જાતો, પણ મુજને સંતાપ ન થાતો,
માયા કરે ગોટાળો, ભવસાગરથી તારો ….. બાળ…

અંધારામાં રખડું આજે, વનમાળી તુજને નવ છાજે,
મારગ કર અજવાળો, , ભવસાગરથી તારો ….. બાળ…

નીશદીન કરતો પુકાર, મુળજી, શું કરવું તે તારી મરજી,
બીરદ મળેલું પાળો , ભવસાગરથી તારો ….. બાળ…

 

વહારે આવો July 14, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

દીનદયાળ મારા નાથ, વહારે આવો વાલમા રે…
વીનવું છું જોડી બે હાથ, વહારે આવો વાલમા રે….

દીનબાળ વીનવું હું નેત્રભરી રે,
હું તો નાનેરું બાળ, કૃપા કરજો દયાળ ….. વહારે આવો…

બોડાણાની વહારે પ્રભુ ચઢ્યા રે,
દ્વારકાથી આવીયા નાથ તોળાયા વળી સાથ ….. વહારે આવો…

નહીં આવે તો બીરદ તારું જશે રે,
દાસને કરો ન ઉદાસ, પુરો મારી આશ ….. વહારે આવો…

બીરદ તારું તું પાળજે રે,
મુળજીના પુરજે કોડ, પ્રભુ શ્રી રણછોડ ….. વહારે આવો…

 

બાળક તારો રોગી રે July 8, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 7:00 pm

છે બાળક તારો રોગી રે વૃંદાવનવાસી
તું તો છે ઔષધજોગી રે વૃંદાવનવાસી… છે બાળક…

શ્રધ્ધાથી ફાકી ખાતો, પણ રોગ નથી પકડાતો,
સંતાપ મને બહુ થાતો રે વૃંદાવનવાસી… છે બાળક…

નાડી ને નીદાન જાણે, પણ દીલમાં કેમ ન આણે,
ઝટ લાવી દે ઠેકાણે રે વૃંદાવનવાસી… છે બાળક…

ઔષધની તારી ઝોળી, ભરપુર છે વીધવીધ ગોળી,
ઝટ લાવી દે પાણીમાં ઘોળી રે વૃંદાવનવાસી… છે બાળક…

અવ એવી ગોળી આપો, સૌ રોગ તણાં મુળ કાપો,
જીવનમાં શાંતી સ્થાપો રે વૃંદાવનવાસી… છે બાળક…

બાળક જો રોગી રહેશે, તો વૈદ તને કોણ કે’શે?
તુજ બાળકને દુખ રહેશે રે વૃંદાવનવાસી… છે બાળક…

પરહેજ તણું બળ દેજે, કહેવાનું હોય તે કહેજે,
મુળજીને ગોદે લેજે રે વૃંદાવનવાસી… છે બાળક…