સૌ મિત્રોને ફાગણ અને હોળીનાં હાર્દિક વધામણાં…
ધૂળેટી સ્પેશ્યલ માટે કાલે અહીં ફરી પધારવા વિનંતી…!  -)

kesuda-on-tree-sml.jpg
(વ્હાલા મોરા, ફાગણ પાછો લાવ…    કેસૂડાં…   ફોટોઃ હરનીશભાઈ જાની)

આલ્બમઃ હસ્તાક્ષર
સંગીતઃ ભાઈલાલભાઈ શાહ
સ્વરઃ સૌમિલ મુનશી, દિપાલી સૌમૈયા

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

-ઉમાશંકર જોષી